કોમામાં સરી પડેલી નિર્મોહી હવે ફરી ભરતનાટ્યમનો શોખ પૂરો કરી રહી છે
અકસ્માતમાં મગજમાં ગંભીર જા પહોંચવાને લીધે કોમામાં સરી પડેલી અને 45 દિવસ સુધી વેન્ટિલેટર પર રહેલી મહિલા પર 5 વર્ષમાં 11 સર્જરીઓ પછી આખરે તે બેઠી થઈ છે અને તેનો ભરતનાટ્યમનો શોખ હવે પૂરો કરી રહી છે. સાંતાક્રુઝના કાલીના વિસ્તારમાં રહેતી 24 વર્ષની નિર્મોહી અનિલ કોલેજમાં ભણતી હતી અને ભરતનાટ્યમનો શોખ ધરાવતી હતી. માર્ચ 2015માં તે રેસ્ટોરાંમાં જતી હતી ત્યારે ઘર નજીક જ વાહને તેને અડફેટે લીધી હતી. તે કોમામાં સરી પડી હોવાથી કુર્લા ખાતે કોહિનૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે નિર્મોહી કોમામાં હતી. અમારે તુરંત તેની ખોપરીની બંને બાજુ પર લોહીના ગઠ્ઠા અને હાડકું કાઢવું પડ્યું હતું. તેનું હાડકું બદલી કરવા અને મગજમાં જમા થતા પાણીનો ઈલાજ કરવા માટે વર્ષોનાં વહાણાં વીતવા સાથે 11 સર્જરી કરવામાં આવી હતી. પાંચ વર્ષ પછી હવે તે સાજી છે અને નિત્યક્રમની પ્રવૃત્તિઓ કરે છે અને ખાસ કરીને તેનો ભરતનાટ્યમનો શોખ પણ પૂરો કરી રહી છે, એમ ન્યુરોસર્જન ડો. વિશ્વનાથન ઐયરે જણાવ્યું હતું.
આ કેસ પરથી મગજને આઘાતજનક ઈજા પહોંચી હોય તેઓ ક્યારેય સામાન્ય જીવન જીવી શકતા નથી એવી ખોટી માન્યતાનો ભાંગીને ભુક્કો થઈ ગયો છે. અકસ્માતગ્રસ્તને 1-2 કલાકમાં યોગ્ય સમયે પ્રાથમિક ઉપચાર આવશ્યક છે. મગજની ઈજા હોય તો સમય માગી લે છે, જેમાં પરિવારનો આધાર જરૂરી હોય છે, એમ ડો. ઐયરે જણાવ્યું હતું.
ઈચ્છાશક્તિને લીધે ઈજાને માત
નિર્મોહીની માતા સ્વાતિએ જણાવ્યું કે પાંચ વર્ષમાં તેને યોગ્ય ઉપચાર મળ્યો હતો. નિર્મોહી બહાદુર છે. તે હાર માનતી નથી. ઈચ્છાશક્તિથી તેણે ઈજાને માત આપી છે. હવે તે ઘરે આવી ગઈ છે અને અગાઉની જેમ જ ભરતનાટ્યમ કરે છે.
અન્ય સમાચારો પણ છે…